છોટાઉદેપુર જિલ્લામાં નસવાડીથી જબુગામ સુધી બની રહેલા નેશનલ હાઈવે 56 ના કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે. અંદાજે ₹૧૨૦૦ કરોડના જંગી ખર્ચ સાથે ચાલી રહેલી આ ફોરલેન હાઈવે કામગીરી અંગે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
માહિતી મુજબ, રોડ સુરક્ષા માટે બનાવાતી RCC દીવાલના પાયા માટે પાણી ભરાયેલા ખાડામાં સીધું કોંક્રિટ નાખવામાં આવી રહ્યું હોવાનું સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળે છે. ધામસીયા થી જબુગામ સુધીના માર્ગ પર પાણીનો યોગ્ય નિકાલ કર્યા વિના જ સિમેન્ટ નાખવામાં આવતું હોવાના દ્રશ્યો ચર્ચાનો વિષય બન્યા છે.
સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સિમેન્ટ પાણીમાં ધોવાઈ જતું હોય તો કામની ગુણવત્તા કેટલી ટકાઉ રહેશે? આટલા મોટા પ્રોજેક્ટના સ્થળ પર એન્જિનિયર અથવા સુપરવાઈઝર હાજર ન હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. કામ મજૂરોના ભરોસે છોડી દેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ મુદ્દે સ્થાનિક જનતા તંત્ર પાસે જવાબ માંગે છે. સરકારી નાણાનો વેડફાટ થતો હોવાની શંકા વચ્ચે લોકો માંગ કરી રહ્યા છે કે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે અને જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
હવે જોવાનું રહ્યું કે સંબંધિત તંત્ર આ આક્ષેપોને ગંભીરતાથી લઈ તપાસ કરશે કે નહીં.

