ડભોઈ વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (SOU) ને જોડતા મુખ્ય માર્ગ પર ડભોઈ નગરપાલિકાની બેદરકારીના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. ડભોઈના નાદોદી ભાગોળ નજીક ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગ પર ઉભરાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જાણે પાઈપલાઈન ફાટી હોય તેવી સ્થિતિ
નાદોદી ભાગોળ પાસે સ્થિતિ એટલી હદે વણસી છે કે ગટરના પાણી કોઈ નદીની જેમ રોડ પર વહી રહ્યા છે. દ્રશ્યો જોતા એવું લાગે છે કે જાણે કોઈ મોટી પાઈપલાઈન ફાટી ગઈ હોય! ગંદા પાણીના ભરાવાને કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે પ્રવાસીઓની પરેશાની: SOU જતો આ મુખ્ય માર્ગ હોવાથી હજારો પ્રવાસીઓ અહીંથી પસાર થાય છે. ગંદકીના સામ્રાજ્યને કારણે શહેરની છબી ખરડાઈ રહી છે.
સ્થાનિકોનું આરોગ્ય જોખમમાં: આસપાસની સોસાયટીના રહીશો દુર્ગંધ અને મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે તંત્રની ઉદાસીનતા: સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી. લોકોનો આક્ષેપ છે કે જનતાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે પણ નક્કર કામગીરી શૂન્ય છે અમે અનેકવાર રજૂઆત કરી છે, પણ કોઈ કાયમી ઉકેલ આવતો નથી. પ્રશાસન જાણે ઊંઘમાં હોય તેવું લાગે છે. જો સત્વરે નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ફરજ પડશે સ્થાનિક રહીશ લોકોની માંગ હાલ તો અહીંથી પસાર થતા મુસાફરો અને સ્થાનિક લોકો એક જ સૂર પૂરાવી રહ્યા છે કે ડભોઈ નગરપાલિકા વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે. શું તંત્ર કોઈ મોટી બીમારી ફાટી નીકળે તેની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલો અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.

