વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલ બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે સ્કિલ ડેવલપમેન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ટૂલ્સ તથા સાયબર ક્રાઈમ ટ્રેન્ડ્સ વિષયક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં કેમ્પસના સ્ટાફ તથા ફેકલ્ટીગણ માટે પ્રાયોગિક તાલીમ અને માહિતીસભર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સના નવનિયુક્ત ડીન પ્રો. પ્રજ્ઞેશ શાહ તેમજ ડૉ. હિતેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એઆઈ ટૂલ્સ, ડિજિટલ સ્કિલ્સ અને બદલાતી ટેકનોલોજી અંગે મહત્વપૂર્ણ માહિતી આપી, સાથે જ શિક્ષણક્ષેત્રમાં તેના ઉપયોગ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને નવીનતમ ટેકનોલોજી અને સોફ્ટ સ્કિલ્સ અંગે માહિતગાર કરવામાં આવ્યા, જેથી તેઓ ભવિષ્યમાં વધુ સક્ષમ, સચેત અને સફળ બની શકે. નિષ્ણાતોએ આવા વર્કશોપ્સ વિદ્યાર્થીઓ, સ્ટાફ તથા ફેકલ્ટીગણ માટે અત્યંત લાભદાયી હોવાનું જણાવી વધુમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં નિયમિત રીતે આવા કાર્યક્રમો યોજાવા જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો અને આયોજન બદલ પ્રશંસા કરી હતી.
સાયબર ક્રાઈમ અંગે મકરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગોહિલે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના જનરલ મેનેજર તથા સાયબર સિક્યુરિટી નિષ્ણાત કનૈયા અગ્રવાલે પણ ઓનલાઈન ઠગાઈથી બચવા અને જરૂરી સાવચેતી અંગે રસપ્રદ અને ઉપયોગી માહિતી આપી હતી.
આ પ્રસંગે બાલાજી એજ્યુકેશન કેમ્પસના પ્રેસિડેન્ટ ગિરીશ પટેલ તથા સંસ્થાના વડા ડૉ. ધર્મેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમનું સુચારુ અને સફળ આયોજન બાલાજી કોલેજ ઓફ કોમર્સ, સાયન્સ, ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટના આચાર્ય ડૉ. નીરવ ડી. ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.

