કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર ખેડૂત હિતલક્ષી અભિગમ સાથે પ્રતિબદ્ધ – નર્મદા જિલ્લામાં પ્રેસ વાર્તા યોજાઈ
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી છે. ધરતીપુત્રો પર આવી પડેલી આપત્તિના આ સમયમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા છે કે સરકાર ખેડૂતોની બાજુએ અડગપણે ઉભી રહેશે અને તેમને યોગ્ય મદદ પહોંચાડવામાં આવશે.
નર્મદા જિલ્લામાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં કમોસમી વરસાદ નોંધાયો છે, જેના પરિણામે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકાર ખેડૂત હિતલક્ષી અભિગમ સાથે તાત્કાલિક સહાય પ્રક્રિયા શરૂ કરવા પ્રતિબદ્ધ છે. છેલ્લા બે દાયકાથી વધુ સમય બાદ આવી અસામાન્ય હવામાન પરિસ્થિતિ સર્જાઈ છે, અને ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા કરીને ઉદારતમ સહાય આપવામાં આવશે.
આ સંદર્ભે નર્મદા જિલ્લા પ્રમુખ શ્રી નીલ રાવ અને નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ ની અધ્યક્ષતામાં કમલમ, નર્મદા ખાતે પ્રેસ વાર્તા યોજાઈ, જેમાં ખેડૂતોને થનારી સહાય યોજના તથા ત્વરિત પગલાં અંગે વિગતવાર માહિતી આપવામાં આવી.
પ્રેસ વાર્તા દરમિયાન ડૉ.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે,“મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોની ચિંતા સમજે છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનની તાત્કાલિક સર્વે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને કોઈ ખેડૂત વંચિત ન રહે તે દિશામાં કામગીરી ચાલી રહી છે. ધરતીપુત્રો પર આવેલી આપત્તિમાં રાજ્ય સરકાર તેમની સાથે મજબૂતીથી ઉભી છે.”
આ સાથેજ બીજેપી નર્મદા ના આગામી કાર્યક્રમો વિશે પણ માહિતી આપી હતી

