સ્ટ્રીટ ડોગને અજાણ્યા ઇસમો દોરડાથી બાંધીને અન્ય જગ્યાએ મુકી આવ્યા : સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
કૂતરા સાથે ક્રૂરતા:સ્ટ્રીટ ડોગને અજાણ્યા ઇસમો દોરડાથી બાંધીને અન્ય જગ્યાએ મુકી આવ્યા; સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
વડોદરા શહેરના સમા વિસ્તારમાં સ્ટ્રીટ ડોગને અજાણ્યા લોકોએ ક્રૂરતા પૂર્વક દોરડાથી ચારેય પગ બાંધીને વાહનમાં બેસાડીને અન્ય જગ્યાએ મૂકી આવ્યા હતા. આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સમા પોલીસે અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરી છે.
અજાણ્યા ઇસમો કૂતરાને દોરડા વડે બાંધી મુકી આવ્યા
મહેસાણાની દર્શના એનિમલ વેલફેરમાં વોલન્ટિયર તરીકે સેવા આપતા સમીર ગજ્જરે સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 20 મેના રોજ સમીર ગજ્જરને વડોદરામાં લોકલ ફીડર તરીકે કામ કરતાં શીતલબેન સુમેરમલ સિંગીનો ફોન આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સહકારનગર સોસાયટીની આસપાસ ફરતા એક લાલ રંગના સ્ટ્રીટ ડોગ (ઉંમર આશરે 2 વર્ષ)ને કોઈ અજાણ્યા ઈસમ દોરડાથી ચારેય પગ બાંધીને અન્ય જગ્યાએ મૂકી આવ્યા હતા.
અજાણ્યો ઈસમ ચાકુ વડે દોરડું કાપતો દેખાયો
24 મે, 2025ના રોજ સમીરભાઈ વડોદરા આવ્યા હતા અને જ્યાં કેર એ સ્ટ્રે ફાઉન્ડેશનના ચંચલબેન ઉર્ફે સનાબેન અને પંકજભાઈ વશિષ્ઠે એક વીડિયો બતાવ્યો હતો. આ વીડિયોમાં એક લાલ રંગના ડોગના ચારેય પગને દોરડાથી બાંધેલા હતા અને કોઈ અજાણ્યો ઈસમ ચાકુ વડે તે દોરડું કાપતો હતો. ત્યારબાદ સમીર ભાઈ અને દર્શના એનિમલ વેલફેરના અન્ય સભ્યોએ આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી, પરંતુ આજદિન સુધી આ કૂતરું મળી આવ્યું નથી.

