વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોષી અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વડોદરામાં યોજાનારી આગામી ચૂંટણીઓની તારીખો જાહેર કરવા માટે કલેક્ટરને રજૂઆત કરી હતી.
કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે કલેક્ટર કચેરીની મુલાકાત લીધા બાદ, તેઓએ મૌખિક રજૂઆત કરી, જેમાં તેઓએ મતદાનની તારીખ જાહેર કરવાની વિનંતી કરી હતી. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, મતદાનની તારીખ જાહેર કરવામાં વિલંબથી લોકોમાં મૂંઝવણ અને અનિશ્ચિતતા ફેલાય છે.
તેમણે ચૂંટણી પ્રક્રિયાને ઝડપી અને સુચારુ બનાવવા તેમજ લોકશાહી પ્રણાલીમાં નાગરિકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે વહેલી તકે ચૂંટણીની તારીખો જાહેર કરવાની માંગ કરી હતી.
મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ ક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રુત્વીજ જોશીએ જિલ્લા ચૂંટણી અધિકારી/કલેક્ટર સાહેબને એક પત્ર લખીને મહત્વના દસ્તાવેજોની માંગ કરી છે.
પત્રમાં કોંગ્રેસે આગામી સામાન્ય ચૂંટણીઓ, જે ૨૦૨૫-૨૦૨૬માં યોજાવાની છે, તેના માટે વહેલી તકે તૈયારીઓ શરૂ કરી છે. કોંગ્રેસે વોર્ડ નંબર ૧ થી ૧૯ સુધીની મતદાર યાદી, અનામત બેઠકોની યાદી અને મતદાન મથકોની યાદી પૂરી પાડવા વિનંતી કરી છે.
રુત્વીજ જોશીએ પત્રમાં જણાવ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા સુચારુ રૂપે ચાલે તે માટે અને પક્ષને જરૂરી તૈયારીઓ માટે આ માહિતી આવશ્યક છે. આ દસ્તાવેજોની માંગણી પાછળનો મુખ્ય હેતુ ચૂંટણી પહેલાં જ મતદારો અને મતદાન મથકો વિશે સ્પષ્ટ માહિતી મેળવવાનો છે, જેથી ચૂંટણીના આયોજનમાં સરળતા રહે.
આ પત્ર દ્વારા કોંગ્રેસે ચૂંટણી પંચને આગ્રહ કર્યો છે કે ઉપર દર્શાવેલા ત્રણ દસ્તાવેજો – વોર્ડ નંબર ૧ થી ૧૯ સુધીની ફોટોગ્રાફિક મતદાર યાદી, અનામત બેઠકોની યાદી અને મતદાન મથકોની યાદી – હાર્ડ અને સોફ્ટ કોપી બંને સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવે. આ માંગણી પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ પક્ષ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે સક્રિયપણે તૈયારી કરી રહ્યો છે.

