ડભોઇ તાલુકાના ટીમ્બી ફાટક નજીક આવેલા મુખ્ય માર્ગ પર બનાવવામાં આવેલ ડિવાઈડર હાલ વાહનચાલકો માટે જોખમરૂપ બની ગયો છે. ડિવાઈડર પર ચેતવણીરૂપ સાઈન બોર્ડ, રિફ્લેક્ટર કે લાઈટિંગ સિસ્ટમ ન હોવાથી ખાસ કરીને રાત્રિના સમયે વારંવાર નાના–મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.ગઈ રાત્રે રેતી ભરેલી ટ્રક આ ડિવાઈડર સાથે અથડાઈ ચડી ગઈ હતી. જેના કારણે ટ્રાફિકમાં અડચણ ઊભી થઈ હતી. જ્યારે થોડા દિવસો અગાઉ છોટાઉદેપુરથી વડોદરા જતી મુસાફરો ભરેલી એસ.ટી. બસ પણ આ જ ડિવાઈડર પર ચડી જતાં મુસાફરોમાં ચકચાર મચી ગઈ હતી. સદભાગ્યે નાની–મોટી ઈજાઓ સિવાય મોટી જાનહાનિ ટળી હતી.સ્થાનિક લોકોએ આ મુદ્દે ગંભીર ચિંતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે જ્યારે આ ડિવાઈડર બનાવવામાં આવ્યો હતો
ત્યારે સોલર લાઈટો અને થાંબલા લગાવાયા હતા. પરંતુ હાલમાં લાઈટો અને થાંબલા ગાયબ છે, પરિણામે ડિવાઈડર અંધારામાં સ્પષ્ટ દેખાતો નથી. વાહનચાલકોને દૂરથી કોઈ ચેતવણી ન મળતાં અકસ્માતોની સંભાવના વધતી જાય છે.લોકોનું માનવું છે કે ટ્રાફિક સલામતીના હિતમાં વહેલી તકે ડિવાઈડર પર ચેતવણી રૂપ સાઈન બોર્ડ, રિફ્લેક્ટર તથા કાર્યરત લાઈટો લગાવી દેવાય તો અનેક જાનમાલની હાનિ અટકાવી શકાય. તેમણે સંબંધિત વિભાગ અને માર્ગ-મકાન તંત્રને તાત્કાલિક પગલાં લઈને યોગ્ય વ્યવસ્થા કરવાની જોરદાર માંગણી કરી છે.સ્થાનિક લોકોએ વધુમાં એ પણ જણાવ્યું કે વારંવાર થતા અકસ્માતોને પગલે વાહનચાલકોમાં પણ ડરનું વાતાવરણ છે. જો તંત્ર સમયસર ધ્યાન નહીં આપે તો આવતા સમયમાં કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકે છે.

