વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા મુખ્ય બજાર મંગળ બજારમાં વધતા અતિશય દબાણોને લઈને મહાનગર સેવાસદનની દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બજારમાં રસ્તા પર અવરોધરૂપ બનેલા લારી-ગલ્લા, સ્ટોલ, ટેબલ તેમજ દુકાનોની બહાર લટકાવવામાં આવેલ સામાન દૂર કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી મ્યુનિસિપલ આસિસ્ટન્ટ કમિશનર શ્રી સુરેશ તુવેરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી બે દિવસ દરમિયાન જો ફરીથી દબાણ કરવામાં આવશે તો સંબંધિતો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ અનેક વખત દબાણ શાખાની ટીમ પહોંચે તે પહેલાં દબાણો દૂર કરી દેવામાં આવતા હતા અને ટીમ પરત ગયા બાદ ફરીથી દબાણ ઉભા થવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે હવે આવનારા દિવસોમાં દબાણ સામે કડક અને સતત કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવા જેવી બાબત બની છે.

