વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજે પાલિકા કચેરી ખાતે યોજાઈ હતી. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા કુલ છ વિકાસલક્ષી કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેમાં ચર્ચા બાદ પાંચ કામોને મંજૂરી આપવામાં આવી જ્યારે એક કામને હાલ પૂરતું નામંજૂર કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં પાણી પુરવઠા શાખા, ટુરિસ્ટ શાખા, બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખા તેમજ મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરી સહિત વિવિધ વિભાગોની દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકની મહત્વપૂર્ણ મંજૂરીમાં વડોદરા મહાનગરપાલિકા હસ્તકના સ્વિમિંગ પૂલ ખાતે શાળાના વિદ્યાર્થીઓને સ્વિમિંગ તાલીમ આપવા માટેની યોજના સામેલ છે. આ યોજના અંતર્ગત પ્રતિ વિદ્યાર્થી દીઠ માસિક રૂ. ૧૦ ફી લઈને વિદ્યાર્થીઓને સ્વિમિંગ શીખવાડવાની વ્યવસ્થા ઊભી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જ્યારે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં નવીન ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની દરખાસ્તને હાલ પૂરતું નામંજૂર કરવામાં આવી છે.
સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીએ બેઠક બાદ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે વિકાસલક્ષી કામોમાં પારદર્શકતા અને નાગરિકોને સીધો લાભ મળે તે હેતુ સાથે નિર્ણયો લેવામાં આવ્યા છે.

