વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ હવેલી મંદિરના ઠાકોરજીનો દિવ્ય દીપદાન મહોત્સવ ભવ્ય રીતે ઉજવવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ પાવન મહોત્સવનું આયોજન વાઘોડિયા રોડ સ્થિત રેવા ગરબા ગ્રાઉન્ડ ખાતે તારીખ 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવ્યું છે.
આ દિવ્ય આયોજનમાં શ્રી ગિરિરાજજીની અસીમ કૃપાથી આશરે 200 ફૂટ લાંબા અને 20 ફૂટ ઊંચા શ્રી ગિરિરાજજીનું ભવ્ય સ્વરૂપ તૈયાર કરવામાં આવશે. સાથે સાથે શ્રી ગિરિરાજજીના અનેક કંદરા પણ રચવામાં આવશે, જેમાં વૈષ્ણવોના આરાધ્ય સેવ્ય સ્વરૂપ ઠાકોરજી પધારશે.
આ મહોત્સવ પ.પૂ. ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીની મંગલ ઉપસ્થિતિમાં યોજાશે. તેમની પાવન હાજરીમાં શ્રી ગિરિરાજજીની ફરતે ગિરી ગાયક વૃંદના સંગે રાસ ગરબા પણ યોજાશે, જે આ મહોત્સવનું વિશેષ આકર્ષણ રહેશે.
આ દિવ્ય દીપદાન મહોત્સવમાં વડોદરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવ પરિવારો ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર આયોજનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવનું વાતાવરણ સર્જાયું છે.

