વડોદરા — મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ હેઠળના ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક (ગાયન) વિભાગ દ્વારા સંગીત સાધના યજ્ઞ – ‘ષડ્જ’ શ્રેણી અંતર્ગત આયોજિત બે દિવસીય “લય–તાલ સાધના” કાર્યશાળાનો પ્રથમ દિવસ અત્યંત સફળતાપૂર્વક યોજાયો.
કાર્યક્રમની શરૂઆત ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રો. ગૌરાંગ ભાવસારના ઉદ્બોધન સાથે થઈ. તેમણે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોનું હાર્દિક સ્વાગત કરતા જણાવ્યું કે આવી સાધનાત્મક તથા શૈક્ષણિક કાર્યશાળાઓ વિદ્યાર્થીઓના સર્વાંગી સંગીત વિકાસ માટે ખૂબ જ અગત્યની છે. તેમણે સતત અભ્યાસ, શિસ્ત અને સમર્પણ દ્વારા સંગીત સાધનાને પરિપૂર્ણ કરવાનો સંદેશ આપ્યો.
કાર્યશાળાના પહેલેલા દિવસે સ્નાતક અને સ્નાતકોત્તર સ્તરના અંદાજે 100 વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. લયબોધને મજબૂત બનાવવો તથા શાસ્ત્રીય ગાયનમાં લયના સૂક્ષ્મ પાસાઓની ઊંડાણપૂર્વક સમજ વિકસાવવાનો કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ રહ્યો.
પ્રથમ સત્રનું માર્ગદર્શન ડૉ. રાજેશ કેળકર દ્વારા આપવામાં આવ્યું. તેમણે વિદ્યાર્થીઓને લય, સુક્ષ્મ લય અને તાલના મૂળભૂત સિદ્ધાંતો સાથે પરિચિત કરાવ્યા તથા તેનો વ્યવહારુ અભ્યાસ પણ કરાવ્યો. બન્દિશોના ઉદાહરણોથી લયના વિવિધ આયામોને સમજાવતા તેમણે સમજાવ્યું કે શાસ્ત્રીય ગાયનમાં લય માત્ર ગતિ નહીં, પરંતુ રાગની આત્માનું પ્રતીક છે.
બીજા સત્રમાં ડૉ. ભાવિક માંકડે લયકારી, દુગુણ, તિગુણ, ચૌગુણ જેવી પ્રક્રિયાઓ તથા તાલના વિભાગોની સૂક્ષ્મતાઓ વિષે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. લયકારી દ્વારા ગાયનને વધુ અસરકારક, અભિવ્યક્તિસભર અને સૌંદર્યમય કેવી રીતે બનાવવું તેના વિશે વિદ્યાર્થીઓને પ્રયોગાત્મક સમજણ અપાઈ.
કાર્યશાળા દરમિયાન વિદ્યાર્થીઓએ સિદ્ધાંતજ્ઞાન સાથે મંચ પરની રજૂઆતો દ્વારા વ્યાવહારિક અભ્યાસનો પણ અનુભવ મેળવ્યો. સમગ્ર વાતાવરણમાં રસિકભાવ, ગંભીર સાધના અને શાસ્ત્રીય સંગીત પ્રત્યેનું સમર્પણ જણાયું.
લય–તાલના વિવિધ આયામોને સમજવા દિશામાં કાર્યશાળાનો પ્રથમ દિવસ વિદ્યાર્થીઓ માટે અત્યંત પ્રેરણાદાયી અને ઉપયોગી સાબિત થયો.

