વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે યોજાયેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નં. ૯માં આવેલ બે મહત્વના માર્ગોના નામકરણને મંજુરી આપવામાં આવી છે. ખોડીયાર ચોકડીથી સ્વામી વિવેકાનંદ ચાર રસ્તા થઈ માધવપાર્ક લક્ષ્મીપુરા સ્મશાન સુધીના માર્ગનું નામ “માં રાણી પદ્માવતી લક્ષ્મીપુરા માર્ગ” રાખવા માટે સર્વસંમતિથી મંજૂરી અપાઈ હતી.
તે જ રીતે, વોર્ડ નં. ૯માં આવેલ ગોરવા આઈ.ટી.આઈ.થી સુર્યા સોસાયટી થઈ સપનાના વાવેતરથી નારાયણ ગાર્ડનને જોડતા માર્ગનું નામ “જય શ્રી રામ માર્ગ” રાખવા માટે પણ સામાન્ય સભામાં મંજુરી આપવામાં આવી હતી. આ બંને માર્ગોના નામકરણ માટેની ભલામણ ઇલેક્શન વોર્ડ નં. ૯ના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે દ્વારા કરવામાં આવી હતી, જેને સભામાં સમર્થન મળ્યું હતું.
આ સાથે વડોદરા મહાનગરપાલિકાની ટાઉન ડેવલોપમેન્ટ શાખા દ્વારા નગર રચના યોજનાઓ અંતર્ગત ટી.પી. ૫૪ના ફાઇનલ પ્લોટની માપણી તેમજ ટી.પી. રોડની માપણી કરી ડીમાર્કેશન કરવાની કામગીરી માટે પણ મંજુરી આપવામાં આવી હતી. આ નિર્ણય બદલ મહાનગરપાલિકા તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

