સ્માર્ટ સિટી યોજના અંતર્ગત કપુરાઈ તળાવનું રૂ. 6.14 કરોડના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું, પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ પણ તળાવ અને તેની આસપાસની હાલત જોઈ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. બ્યુટીફિકેશન પછી પણ તળાવની આસપાસ કચરાના ઢગલા, પાણીમાં ગંદકી તેમજ રાત્રે લાઇટોના ધાંધ્યા જોવા મળી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવે છે.
સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે કરોડો રૂપિયા ખર્ચાયા હોવા છતાં મુલાકાતીઓ માટે બેસવા બાંકડા મૂકવામાં આવ્યા નથી. સાથે જ તળાવમાં મગર દેખાવાની ઘટનાઓ પણ સામે આવી છે. તાજેતરમાં તળાવની વચ્ચોવચ મગર સન બાથ લેતો નજરે પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
નાગરિકોએ વહીવટી તંત્ર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે બ્યુટીફિકેશન પાછળ માત્ર ભ્રષ્ટાચાર થયો છે અને જાળવણી તરફ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. તળાવની યોગ્ય સફાઈ થતી નથી તેમજ વૃક્ષોને નિયમિત પાણી પણ આપવામાં આવતું નથી તેવી ફરિયાદો ઉઠી છે.
સ્થાનિકો મુજબ પાંચ હજારથી વધુ વસતી ધરાવતા ગામમાં માત્ર એક જ સફાઈ કર્મચારી કાર્યરત છે, જેના કારણે સફાઈ વ્યવસ્થા બેકાબૂ બની છે. નાગરિકોએ જણાવ્યું હતું કે અનેકવાર ફરિયાદ કરવા છતાં નેતાઓ, કાઉન્સિલરો કે અધિકારીઓ સ્થળ પર આવીને પરિસ્થિતિ જોવાની તસ્દી લેતા નથી અને માત્ર ફોટા પડાવામાં જ રસ રાખે છે.
કપુરાઈ તળાવના બ્યુટીફિકેશન મુદ્દે હવે સ્થાનિકોમાં ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક તપાસ તથા યોગ્ય પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.

