તિરંગા યાત્રા’માં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ ઉમટી પડ્યા..
હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ કરીને નવલખી મેદાન ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું
હર ઘર તિરંગા અભિયાન સાથે હર ઘર સ્વચ્છતા જાળવવા હર્ષ સંઘવીનું આહવાન
હર્ષ સંઘવીએ શહીદ ભગતસિંહ ચોક ખાતે યાત્રાને થંભાવીને શહીદ ભગતસિંહને નમન કરીને પુષ્પાંજલી આપી
સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં “હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત સોમવારની સંધ્યાએ વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં નીકળેલી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં સૌ વડોદરાવાસીઓએ સહભાગી થઈને દેશની આન, બાન અને શાન સમા તિરંગાનું ગૌરવ ગાન કર્યું હતું. અનેરો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહની સાથે અખંડ ભારતની એકતાના યશગાન ગાતી આ ‘તિરંગા યાત્રા’માં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ ઉમટી પડ્યા હતા. તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા તિરંગાને શાનથી લહેરાવતા વડોદરાવાસીઓના અદમ્ય ઉત્સાહને વંદન કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વરસાદી માહોલમાં પણ વડોદરાવાસીઓમાં તિરંગા યાત્રા માટે અનેરો થનગનાટ છે. વડોદરા શહેર સ્વચ્છ શહેર તરીકે ઓળખાય છે, તેમ કહીને તેમણે હર ઘર તિરંગાની જેમ હર ઘર સ્વચ્છતા જાળવવા હાંકલ કરી હતી. વડોદરાના ખૂણે-ખૂણે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાતા લોકજુવાળને હું વંદન કરું છું, અભિનંદન પાઠવું છે, તેમ સંઘવીએ જણાવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ અભિયાન હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રાનું ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ નવલખી મેદાન ખાતેથી ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્ય તિરંગા યાત્રા નવલખી મેદાનથી શરૂ થઈને કીર્તિ સ્તંભ, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, શહીદ ભગતસિંહ ચોક (ન્યાય મંદિર), સુરસાગર તળાવ થઈને મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે સમાપ્ત થઈ હતી. દેશભક્તિના ગીતો સાથે આ યાત્રા જેમ જેમ રૂટ પર આગળ વધતી હતી, તેમ તેમ લોકોનો ઉત્સાહ બેવડાતો હતો. સંઘવીએ શહીદ ભગતસિંહ ચોક ખાતે યાત્રાને થંભાવીને ક્રાંતિવીર શહીદ ભગતસિંહને નમન કરીને પુષ્પાંજલી આપી હતી. મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે ભવ્ય આતશબાજી અને ભારત માતાની જયઘોષ સાથે યાત્રા પૂર્ણ થઈ હતી. યાત્રાના રૂટમાં ૧૦ થી વધારે સ્ટેજ પર ગરબા અને દેશભક્તિ સાથે વિવિધ સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી
અગાઉ કેયુર રોકડીયા અને આ વખતે શીતલ મિસ્ત્રીનો તિરંગા યાત્રામાં હર્ષ સંઘવીએ વારો કાઢ્યો…
આજે શહેરમાં યોજાયેલી તિરંગા યાત્રામાં ફરી એક વાર વડોદરાની ફજેતી થઇ હતી. તિરંગા યાત્રામાં સૌ આગેવાનો હાથમાં તિરંગો લઇને ચાલી રહ્યા હતા ત્યારે સ્થાયી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટોકવા પડ્યા હતા કારણ કે શીતલ મિસ્ત્રીએ યોગ્ય રીતે તિરંગો પકડ્યો ન હતો અને તેના કારણે તિરંગો જમીનને અડી જાય તે સ્થિતીમાં આવી ગયો હતો જો કે હર્ષ સંઘવીએ શીતલ મિસ્ત્રીની સામે જોઇને કડક ટકોર કરતા મિસ્ત્રીએ તિરંગો ઉંચો કર્યો હતો. અતિ ઉત્સાહમાં આવી ગયેલા ચેરમેન મોટી ભૂલ કરે તે પહેલાં જ હર્ષ સંઘવીએ તેમને ટપાર્યા હતા. અગાઉ પણ ત્રણ વર્ષ પહેલાં જ્યારે શહેરમાં તિરંગા યાત્રા યોજાઇ ત્યારે પણ હર્ષ સંઘવીએ તત્કાલિન મેયર અને હાલના ધારાસભ્ય કેયુર રોકડીયાને ટોકવા પડ્યા હતા. તે વખતે તિરંગા યાત્રામાં ભીડના કારણે તત્કાલિન મેયર કેયુર રોકડીયાનો ધક્કો ગૃહમંત્રીને અને ગૃહ મંત્રીનો ધક્કો મુખ્યમંત્રીને વાગ્યો હતો જેથી હર્ષ સંઘવી ગુસ્સે થઇ ગયા હતા અને કેયુર રોકડીયાને કહ્યું હતું કે દુર ઉભા રહો ભાઇ…આ વીડિયો જે તે સમયે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો.

