સાવલી શહેરમાં પ્રતિવર્ષની પરંપરા મુજબ 21મા રોજાના અવસરે લાહોરીવગા વિસ્તાર ખાતે ભવ્ય સામુહિક ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલ ઇસ્લામ ધર્મનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોવાથી મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રમઝાન માસમાં નમાઝ, દાન-દક્ષિણાં અને રોજાનું વિશેષ મહત્વ હોય છે.
આ પરંપરા મુજબ છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી લાહોરીવગા વિસ્તારમાં 21મા રોજાના દિવસે સામુહિક ઈફ્તાર પાર્ટી યોજવામાં આવે છે. આ વર્ષે પણ ઈમામ બાડા હુસેની ચોક ખાતે લાહોરીવગા વિસ્તારના યુવકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિસ્તારના અગ્રણીઓ, યુવકો, મહિલાઓ તેમજ બાળ રોજેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સૌએ સાથે મળી સામુહિક રીતે રોજો ખોલ્યો હતો. ઈફ્તાર બાદ સૌએ દેશ-દુનિયામાં અમન અને વિશ્વ શાંતિ માટે દુઆઓ પણ કરી હતી.

