27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડેસરવડોદરા જિલ્લો

ડેસર તાલુકામાં કરુણ અકસ્માત : અજાણ્યા વાહનની અડફેટે એકટીવા, બે નવયુવાનોના ઘટના સ્થળે મોત

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના અમરેશ્વર ગામના પાટીયા નજીક ગતરોજ તા. 29 ડિસેમ્બરના સાંજે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. ડેસર–ઉદલપુર માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ નજીક પાછળથી આવી રહેલા અજાણ્યા વાહને એકટીવાને અડફેટે લેતા એકટીવા પર સવાર બે નવયુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હઠીસિંહ ની મુવાડી ગામે રહેતા ખેડૂત પરિવારના પુત્રો મેહુલકુમાર સંજયસિંહ ચાવડા (ઉંમર 14 વર્ષ) અને વિશ્વરાજસિંહ લાલસિંહ ચાવડા (ઉંમર 21 વર્ષ) બપોરે અંદાજે 12 વાગ્યાના અરસામાં પોતાની એકટીવા લઈને ડેસરના વાલાવાવ ચોકડી ખાતે કપડાં ખરીદી કરવા આવ્યા હતા. સાંજે કપડાં ખરીદી પરત ઘરે જતી વેળાએ ભૈયાપુરા અને અમરેશ્વર વચ્ચે આવેલા પેટ્રોલ પંપ નજીક અજાણ્યા વાહનચાલકે પાછળથી એકટીવાને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માતમાં બંને યુવાનોને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમના પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ઘટનાની જાણ થતાં કોઈ અજાણ્યા વ્યક્તિએ 108 ઇમરજન્સી સેવાને ફોન કરતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં તપાસ દરમિયાન બંનેના મોત નિપજ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

અકસ્માતની જાણ થતાં ડેસર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ડેસર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનની શોધખોળ માટે પેટ્રોલ પંપ સહિત આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી છે.

હઠીસિંહ ની મુવાડી ગામે અકસ્માતની ખબર પહોંચતા સમગ્ર ગામમાં શોકની લહેર ફરી વળી હતી. ડેસર સીએચસી ખાતે મૃતક યુવાનોના માતા-પિતા અને પરિવારજનો પહોંચતાં તેમના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, મેહુલકુમાર ચાવડા વેજપુરની વૈજનાથ વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો અને ભણવામાં હોશિયાર વિદ્યાર્થી હતો, જ્યારે વિશ્વરાજસિંહ ચાવડાએ થોડા સમય પહેલાં જ એક ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી હતી. એક જ પરિવારના બે યુવાન દીકરાઓના અકાળે અવસાનથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Related posts

ડભોઇના મહુડી ભાગોળ વિસ્તારમાં નવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

admin

વડોદરા વાઘોડિયા રોડ પર વિશાળકાય પડ્યો ભુવો

admin

વડોદરા શહેરની દીકરી નિશાકુમારીએ ગત વર્ષે મે મહિનામાં વિશ્વના સૌથી ઉંચા એવરેસ્ટ શિખરને સર કર્યા બાદ હવે ભારત થી લંડન સુધીનો સાયકલ પ્રવાસ કરશે.

admin

Leave a Comment