વડોદરા શહેરમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતો ફરી એકવાર ચિંતાનો વિષય બન્યા છે. ઓવર સ્પીડ અને રોંગ સાઈડ વાહન ચલાવવાના કારણે રોજબરોજ અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના શહેરના કમાટીબાગ વિસ્તારમાં સામે આવી છે, જ્યાં એસટી બસ અને એક ફોરવ્હીલર કાર વચ્ચે અથડામણ સર્જાઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ એસટી બસ સુરત તરફથી આવી રહી હતી અને વડોદરા પહોંચતા કમાટીબાગ નજીક ફોરવ્હીલર સાથે અથડાઈ હતી. ફોરવ્હીલર કાર વડોદરા તરફથી વળતાડ તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. અથડામણ એટલી જોરદાર હતી કે ફોરવ્હીલર કાર ગોળ ફરી ગઈ હતી.
સદનસીબે આ અકસ્માતમાં કોઈને પણ ઇજા પહોંચી નથી, જેથી મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાના કારણે થોડીવાર માટે ટ્રાફિકમાં પણ અવરોધ સર્જાયો હતો.
સ્થાનિક લોકો દ્વારા ફરી એકવાર માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાની માંગ ઉઠાવવામાં આવી છે, જેથી આવા અકસ્માતોને અટકાવી શકાય.

