વડોદરા શહેરના પાણીગેટ વિસ્તાર તથા આસપાસના અનેક વિસ્તારોમાં આજે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા લાંબા સમયથી ગેસ બિલ બાકી રાખનાર ગ્રાહકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વર્ષોથી ગેસ બિલની ચુકવણી ન કરનારા ગ્રાહકોને અગાઉથી નોટિસ આપવા છતાં ચુકવણી ન કરતાં તંત્રે અંતે પગલાં લીધા.
કારરવાહી દરમિયાન 200થી વધુ ગેસ કનેક્શન કાપવામાં આવ્યા, જેને કારણે વિસ્તારમાં હલચલ મચી ગઈ. કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે વારંવાર યાદીપત્ર અને નોટિસ બાદ પણ અનેક ગ્રાહકો બિલ નહીં ભરે તેવા બનાવો વધતા જતા આ કાર્યવાહી અનિવાર્ય બની હતી.
વડોદરા ગેસ લિમિટેડે વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ ગેસ બિલોની બાકી રકમ વસૂલવા માટે આવી જ કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડે તો કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
તંત્ર દ્વારા તમામ ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે ગેસ બિલ સમયસર ચૂકવી અનાવશ્યક અસુવિધાથી બચવું.

