વડોદરા શહેરમાં વિઝા કન્સલ્ટન્સી નામે ચાલી રહેલા એક મોટા કૌભાંડનો વધુ એક કેસ સામે આવ્યો છે. અક્ષર ચોક પાસે ભાવના ક્લાસીસ ચલાવતી એક મહિલાએ પોતાના કેનેડા જવાના સપના પૂરાં કરવા માટે 15 લાખ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.
મહિલા બેલા યાદવે જણાવ્યું કે, તેણે પ્રથમ તબક્કામાં ₹ 6.50 લાખ રોકડ રકમ એક ઓળખીતાની મારફતે સિદ્ધાર્થ પિનાવાલા સુધી પહોંચાડી હતી. ત્યાર બાદ વધુમાં ₹ 6 લાખની ઓનલાઇન ચુકવણી પણ કરી. બેલા યાદવે જણાવ્યું કે વિઝા મેળવવાની ખાતરી આપતા કન્સલ્ટન્સી એજન્ટ સિદ્ધાર્થ ભાઈએ તમામ દસ્તાવેજો એકઠા કર્યા બાદ તેને લાંબા સમય સુધી રાહ જોવડાવી.
છેલ્લા બે વર્ષથી બેલા યાદવ પોલીસ સ્ટેશનોના ચક્કર મારી રહી છે, પરંતુ તેને અત્યાર સુધી ન તો વિઝા મળ્યો છે અને ન જ પોતાનો મહેનતનો પૈસો પાછો મળ્યો છે. નિરાશ થયેલી બેલા યાદવે આજે સીધા પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી ન્યાય માંગ્યો છે.
બેલા યાદવે આ માટે પોતાના ઘરનાં દાગીના મૂકી, વ્યાજ પર પૈસા લીધા હતા. પરંતુ હાલ સ્થિતિ એવી છે કે સિદ્ધાર્થ પિનાવાલાનું ઓફિસ અને ઘર બંઘ હાલતમાં છે, જેનાથી ઠગાઈની શંકા વધુ મજબૂત બની છે.
વિઝા કન્સલ્ટન્સીના નામે વડોદરામાં ચાલતા આવા કૌભાંડો સામે અનેક યુવાનો અને મહિલાઓ ભોગ બની ચૂક્યા છે. હવે આ કેસમાં પોલીસ કઈ રીતે પગલાં ભરે છે તે જોવું રહ્યું.
વિદેશમાં ભવિષ્ય બનાવવા ઈચ્છુક યુવાનો માટે આ બનાવ ચેતવણી સમાન છે કે, કોઈપણ વિઝા એજન્સી પાસે મોટી રકમ ચૂકવતા પહેલા તેની સંપૂર્ણ કાયદેસરતા અને રજિસ્ટ્રેશનની ખાતરી કરવી અનિવાર્ય છે.

