વડોદરા શહેરના Panigate વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે અકસ્માત બાદ હિંસક બનાવ સર્જાતા અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. ઈદની ખરીદીના કારણે રસ્તાઓ પર ભારે ભીડ વચ્ચે એક કારચાલકે બેફામ ગતિએ ગાડી હંકારતા અકસ્માત સર્જ્યો હતો.
માહિતી મુજબ, ભીડભાડવાળા માર્ગ પર કારચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત થતા સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઘટના બાદ આશરે 4થી 5 યુવકો કારને ઘેરી બેઠા હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ કારચાલકને કારની અંદર જ માર મારવાનું શરૂ કર્યું હતું. સાથે જ પથ્થરો અને અન્ય સાધનો વડે કારના કાચની તોડફોડ પણ કરવામાં આવી હતી.
પરિસ્થિતિ બેકાબૂ બનતા અને પોતાના પર હુમલો થતા કારચાલકે જીવ બચાવવા માટે ભીડ વચ્ચે જ કારને તેજ ગતિએ દોડાવી મૂકી હતી. આ દરમિયાન અન્ય વાહનો કે લોકોને પણ નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં ટોળાની ઉશ્કેરાટ અને કારચાલકના ભાગવાના દ્રશ્યો સ્પષ્ટ જોવા મળે છે.
ઘટના બાદ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

