વડોદરા શહેરના ચાર દરવાજા અંદરના વ્યસ્ત અને ભીડભરેલા મંગળ બજાર વિસ્તારમાં આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંધોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો હતો. શહેરમાં વધતા ટ્રાફિક અને દબાણની સમસ્યા ઘટાડવાના હેતુથી ચાલતી આ કાર્યવાહી દરમિયાન તંત્રને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
દબાણ શાખાની ટીમ લારી–ગલ્લા હટાવવા પહોંચી ત્યારે સ્થાનિક મહિલા લારી ધારકોએ ભારે હોબાળો મચાવ્યો અને તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા. મહિલાઓનું કહેવું હતું કે થોડા દિવસો પહેલાં પાલિકા અધિકારીઓએ સ્પષ્ટ સૂચના આપી હતી કે લારીઓને રોડ પરથી દૂર અંદરની તરફ ખસેડવી. લારી ધારકોના જણાવ્યા અનુસાર, તમામ લારીઓએ આ સૂચના મુજબ જ ગોઠવણી કરી દીધી હતી.
તેથી છતાં તંત્ર દ્વારા ઓચિંતા કાર્યવાહી કરીને લારીઓ જપ્ત કરવામાં આવી હતી, જેને લઈને લારી ધારકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મહિલાઓએ આક્ષેપ કર્યો કે તેઓ નિયમોનું પાલન કરે છે, છતાં તેમની સામે જ કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે અન્ય લારીઓ સામે યોગ્ય પગલાં લેવામાં આવતાં નથી.
આ ઝુંબેશને કારણે મંગળ બજારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે નાના ધંધાર્થીઓએ પોતાની રોજીરોટી પર સંકટ ઊભું થવાની ફરિયાદ કરી છે.

