મકરસંક્રાંતિના આગમન સાથે શહેરના બજારોમાં શેરડી અને બોરના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પર્વને અનુલક્ષીને દાનમાં શેરડી, બોર અને લીલા શાકભાજી આપવાની પરંપરાને કારણે તેની માંગ વધતાં ભાવોમાં તેજી નોંધાઈ છે.
શેરડીના વેપારીઓના જણાવ્યા પ્રમાણે બોર મહેસાણાથી આવતાં હોય છે. આ વર્ષે પાક ઓછો હોવાથી બજારમાં આવક ઓછી થઈ છે અને પરિણામે ભાવ ઉંચા ચડ્યા છે. ગત વર્ષે 80 રૂપિયે કિલો વેચાતા બોરના ભાવ આ વર્ષે 100થી 120 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.
શેરડીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે એક સાંઠો શેરડીનો ભાવે 200 રૂપિયા હતો, જ્યારે આ વર્ષે છૂટક બજારમાં 70 રૂપિયા પ્રતિ સાંઠાના દરેથી વેચાણ થઈ રહ્યું છે. વેપારીઓ માને છે કે આવનારા દિવસોમાં પણ ભાવ ઊંચા રહેવાની શક્યતા છે.
પરંપરા મુજબ મકરસંક્રાંતિના દિવસે બોર, શેરડી અને શાકભાજીનું દાન કરવામાં આવે છે. માન્યતા મુજબ, જે પરિવારમાં નાના બાળકો સ્પષ્ટ રીતે બોલતા ન હોય તેમના નામે બોરનું વહેંચણી કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. પર્વની મોસમને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં શેરડી અને બોરની હાટડીઓ જામી ગઈ છે અને બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

