વડોદરાના પાદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ તેના રીપેરીંગ સાથે સાથે નવા બ્રિજની પણ કામગીરી હાલ જોરશોરથી ચાલી રહી છે. બ્રિજ બંધ રહેવાના કારણે રોજિંદા હજારો લોકોকে લાંબો ફેરો કરીને મુસાફરી કરવી પડી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે મુશ્કેલી સર્જાઈ છે.
લાંબા માર્ગથી બચવા માટે ઘણા લોકો નવાડીનો સહારો લઈને શોર્ટકટ અપનાવતા હતા, પરંતુ તાજેતરમાં ઓવરલોડિંગના કારણે નાવડી પલટી ખાઈ જતાં મોટી દુર્ઘટના થતા અટકી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ આ ઘટનાએ લોકોને ચેતવણીરૂપ સંદેશ આપ્યો છે.
લાંબા ફેરાના કારણે કંટાળેલા સ્થાનિકો માટે હવે રાહતભર્યા સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગંભીરા બ્રિજનું રીપેરીંગ કાર્ય પૂર્ણતાની નજીક છે અને આ મહિનાના અંત સુધીમાં બ્રિજ ફરી શરૂ કરવામાં આવી શકે છે. જો એવું બને તો રોજબરોજ મુસાફરી કરતા હજારો લોકોને મોટી રાહત મળશે.

