Genius Daily News
રાજકોટરાજકોટ જિલ્લો

બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ દ્વારા રાજકોટમાં નર્સિંગ એક્સેલન્સ કોન્ફરન્સનું સફળ આયોજન

બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ દ્વારા દર વર્ષે નર્સિંગ વ્યવસાય સાથે સંકળાયેલા નર્સિંગ સ્ટાફને નવી ટેકનોલોજી, કાર્ય કુશળતા અને આધુનિક અપડેટ્સ અંગે માહિતગાર કરવા હેતુથી “નર્સિંગ એક્સેલન્સ કોન્ફરન્સ”નું આયોજન કરવામાં આવે છે. આ કોન્ફરન્સનો લાભ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં નર્સિંગ ક્ષેત્રના વ્યવસાયિકો લેતા હોય છે.

આ વર્ષે તારીખ 14/12/2025ના રોજ રાજકોટ ખાતે નર્સિંગ એક્સેલન્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રભરના નર્સિંગ વ્યવસાય સાથે સંકળાયેલા 500થી વધુ નર્સિંગ પ્રોફેશનલોએ ભાગ લીધો હતો. કોન્ફરન્સ દરમિયાન વિવિધ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શનાત્મક વક્તવ્યો યોજાયા હતા, જેમાં નર્સિંગ વ્યવસાયને લગતી આધુનિક સારવાર પદ્ધતિઓ, નવી ટેકનોલોજી અને કાર્ય કુશળતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કોન્ફરન્સ નર્સિંગ સ્ટાફ માટે અત્યંત જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાબિત થઈ હતી.

આ પ્રસંગે બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના ચેરમેન શ્રી જયંતીભાઈ ફળદુએ નર્સિંગ વ્યવસાયિકોની સેવાઓને બિરદાવતા જણાવ્યું હતું કે આરોગ્ય સેવાઓમાં નર્સિંગ સ્ટાફનું યોગદાન અતિ મહત્વપૂર્ણ છે અને તેમની સેવા ભાવના પ્રશંસનીય છે. સાથે જ હોસ્પિટલના પૂર્વ ચેરમેન ડૉ. પ્રદીપ કણસાગરાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. આ કોન્ફરન્સમાં અમેરિકાથી ખાસ ઉપસ્થિત રહેલા ડૉ. ભાણજીભાઈ કુંડારીયાની હાજરીએ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું હતું.

તબીબી ક્ષેત્રના અગ્રણી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA), રાજકોટના પ્રેસિડેન્ટ ડૉ. જયેશ ડોબરિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આવી કોન્ફરન્સ દ્વારા નર્સિંગ વ્યવસાયિકોને નવીન સારવાર પદ્ધતિઓ અને તબીબી ક્ષેત્રની નવીનતા અંગે જાણકારી મળે છે, તેથી સમયાંતરે આવી શૈક્ષણિક કોન્ફરન્સનું આયોજન થવું જરૂરી છે.

આ અવસરે બી.ટી. સવાણી કિડની હોસ્પિટલને નર્સિંગ એક્સેલન્સ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડૉ. વિશાલ ભટ્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે ડિસેમ્બર 2025માં હોસ્પિટલએ નર્સિંગ એક્સેલન્સ માટે એન.એ.બી.એચ. (NABH)નું સર્ટિફિકેશન પ્રાપ્ત કર્યું છે, જે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ સિદ્ધિ છે.

ડૉ. ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ દ્વારા પેરામેડિકલ અને મેડિકલ સ્ટાફ માટે નિયમિત એકેડેમિક પ્રવૃત્તિઓ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવે છે અને ભવિષ્યમાં પણ વિવિધ ફેકલ્ટીના સહયોગથી આવા કાર્યક્રમો સતત યોજાતા રહેશે. અંતે તેમણે ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓ, વક્તાઓ અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

રાજકોટના કુવાડવા ગામના સરપંચ દ્વવારા ખરાબ રસ્તા અને ટ્રાફિક બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત.

admin

રાજકોટ શ્રી સિદ્ધરાજ ગોશાળા આયોજિત ગાયોના લાભર્થે ભવ્ય લોક ડાયરો યોજાયો.

admin

રાજકોટ જિલ્લાના નવાગામ બામણબોર ખાતે જન્માષ્ટમીના પાવન દિવસે મટકી ફોડ કાર્યક્રમનું ભવ્ય આયોજન

admin

Leave a Comment