નસવાડી તાલુકાના સ્ટેશન વિસ્તારમાં આવેલ મહેમાન કોલોનીમાં આજે તારીખ 15-12-2025ના રોજ ભરબપોરે ચોરીની મોટી ઘટના સામે આવી છે. મહેમાન કોલોનીમાં રહેતા મોનાભાઈ ગફુરભાઈ શેખના ઘરના ત્રીજા માળેથી અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, દિવસ દરમિયાન ઘર બંધ અને કોઈ હાજર ન હોવાની તકનો લાભ લઈ તસ્કરો ત્રીજા માળે ઘુસ્યા હતા અને ઘરમાં રાખેલા કિંમતી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ચોરીની જાણ થતા જ નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે તેમજ સ્થાનિક રહેવાસીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને તસ્કરોને ઝડપવા પોલીસ દ્વારા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
ભરબપોરે બનેલી આ ચોરીની ઘટનાથી મહેમાન કોલોની સહિત આસપાસના વિસ્તારોમાં ભય અને ચિંતા ફેલાઈ છે. સ્થાનિક લોકો દ્વારા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ પણ ઉઠી રહી છે.

