છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ અનડીટેક્ટ બેટરી ચોરીના ગુનાનો ભેદ છોટાઉદેપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે.
છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં તા. 08/11/2025 ના રાત્રે 23:00 કલાકથી તા. 09/11/2025 ના સવારે 07:00 કલાક દરમિયાન કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ફરીયાદીની બજાજ કંપનીની રિક્ષા રજી. નં. GJ-23-Z-7776 માંથી એક્સાઇડ કંપનીની 38B20L WITH SCRAP બેટરી (રજી. નં. A3GM147412CG52) જેની અંદાજિત કિંમત રૂ. 3,700/- હતી, તે ચોરી કરી લઈ જવાઈ હતી.
આ અંગે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં. 11184002251560/2025, BNS કલમ 303(સી) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે પ્રથમથી વણશોધાયેલ હતો.
વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલવા સંદીપસિંહ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા રેન્જ, તથા ઇમ્તીયાઝ શેખ, પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર તેમજ વી.આર. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ, છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.આર. પ્રજાપતિના નેતૃત્વમાં હ્યુમન સોર્સિંગ અને ટેકનિકલ સર્વેલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.
તપાસ દરમ્યાન મળેલી માહિતીના આધારે છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં રહેતા જાકીરભાઇ અબ્દુલસતાર શેખ અને આસિફખા યુસુફખા પઠાણ દ્વારા બેટરી ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું. બંને ઇસમોને પોલીસ સ્ટેશન લાવી ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા તેમણે ગુનો કબૂલ કર્યો હતો.
આરોપીઓ ચોરી કરેલી બેટરીઓ છોટાઉદેપુર સરકારી દવાખાના સામે આવેલ ભારમલ ટ્રેડર્સના માલિક મોહમંદભાઇ ખુરશીદભાઈ વાસણવાલાને વેચી દેતા હોવાનું જાણવા મળ્યું. તપાસના આધારે કુલ ચાર બેટરીઓ જેની અંદાજિત કિંમત રૂ. 6,000/- થાય છે, તે કબજે કરવામાં આવી છે. આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ રીતે છોટાઉદેપુર પોલીસે અનડીટેક્ટ બેટરી ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી અસરકારક કામગીરી કરી છે.

