વડોદરા શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ વ્યસ્ત મોબાઈલ અને મોબાઈલ એસેસરીઝ માર્કેટમાં આજે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મરીમાતા ના ખાંચા વિસ્તારમાં આવેલા માર્કેટમાં ડુપ્લીકેટ મોબાઈલ એસેસરીઝના વેચાણ અંગે મળેલી માહિતીના આધારે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર સંબંધિત કંપનીની અધિકૃત એજન્સીના પ્રતિનિધિઓની હાજરીમાં પોલીસે અચાનક રેડ કરી હતી. આ દરમિયાન અનેક દુકાનોમાંથી શંકાસ્પદ તેમજ ડુપ્લીકેટ મોબાઈલ એસેસરીઝનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા જપ્ત કરાયેલ માલને વધુ તપાસ અને ખરાઈ માટે પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. અચાનક થયેલી આ કાર્યવાહીથી સમગ્ર માર્કેટ વિસ્તારમાં દોડધામ તેમજ ચર્ચાનો માહોલ સર્જાયો હતો.
ફિલહાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વિસ્તૃત તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

