ટેકનોલોજી આધુનિક બનતા હવે બુટલેગરો પણ નવીન તરકીબો અપનાવી પોલીસને ચકમો આપવા પ્રયત્ન કરી રહ્યા છે. તેવી જ એક હાઈટેક પદ્ધતિનો પર્દાફાશ વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે, જેને જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર કે. આર. સિસોદીયા અને તેમની ટીમ મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે નંબર પ્લેટ વગરની ખુલ્લી બોડીવાળી ગાડીમાં અંડરગ્રાઉન્ડ ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે લામડાપુરા કેનાલ પાસે, પેટ્રોલ પંપ નજીક સાવલી-વડોદરા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી.
બાતમી મુજબની ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડવામાં આવી. તપાસ દરમિયાન ગાડીમાંથી કલુ ઉર્ફે કલ્પેશ ચીમનભાઈ નાયક (રહે. ભીંડોલ, તા. જેતપુરપાવી, જિ. છોટાઉદેપુર) અને અરૂણભાઈ હીરાભાઈ તડવી (રહે. પાનવડ, તા. કવાટ, જિ. છોટાઉદેપુર)ને ઝડપવામાં આવ્યા હતા.
તપાસમાં ગાડીની કેબિનમાં ડ્રાઇવર સીટની નીચે તેમજ પાછળની બોડીમાં પાર્ટીશન પાડી બનાવેલા ગુપ્ત ખાનેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 124 ક્વાર્ટર અને બિયર બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 2,95,567 ગણવામાં આવી છે. ગાડી સહિત કુલ રૂ. 5,15,567નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે દારૂનો જથ્થો એમ.પી. બોર્ડર પાસેથી લાવવામાં આવ્યો હતો અને નમીસરા ગામના રાકેશ નામના વ્યક્તિને સપ્લાય કરવાનું હતું. સમગ્ર મામલે મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધાયો છે અને જથ્થો મંગાવનાર અન્ય આરોપીને ઝડપી પાડવા પોલીસ તજવીજ હાથ ધરી રહી છે.

