સાવલી ખાતે આવેલી ખેતીવાડી બજાર સમિતિ (APMC) સાવલીના હોલમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં વડોદરા જિલ્લા ભાજપાના નવનિયુક્ત મહામંત્રી તથા સાવલી વિધાનસભા ક્ષેત્રના સંગઠનની નવરચનાને અનુલક્ષીને ચર્ચા કરવામાં આવી હતી. બેઠક જયદીપસિંહ ચૌહાણ (જિલ્લા મહામંત્રી અને પ્રભારી)ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
કાર્યક્રમમાં યોગપાલસિંહ (જિલ્લા ઉપપ્રમુખ), રૂપલબેન ગઢવી (સાવલી નગર સંગઠન પ્રભારી), ભરતભાઈ પટેલ (સાવલી નગર પ્રભારી), મેઘાબેન પાઠક (જિલ્લા મંત્રી) સહિત સાવલી નગરપાલિકાના પ્રમુખ, નગરસેવકો, ભાજપાના વિવિધ મોરચાના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, આવનારી ચૂંટણીઓ માટે કાર્યકરોને સક્રિય બનવા અને લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા પ્રભારી મહામંત્રીએ તમામ કાર્યકરોનો ઉત્સાહ વધારી સંગઠનના કામમાં તત્પરતાથી જોડાઈ જવા આહ્વાન કર્યું હતું.

