છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકો ના ગઢબોરીયાદ ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવી ના નિવેદનોને લઈને વિવાદ ઉભો થયો છે.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ જણાવ્યું હતું કે ડુંગરાળ વિસ્તારોમાં રહેતા આદિવાસી લોકો ટેકરાઓ પર વસવાટ કરતા હોવાથી એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી, અને તેમાં તેમનો કોઈ વાંક નથી. આ નિવેદનને લઈને સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, નસવાડી તાલુકાના 100થી વધુ ફળિયાઓને જોડતા રસ્તાઓની મંજૂરી હજુ સુધી મળેલી નથી, જેના કારણે આરોગ્ય અને પરિવહન જેવી મૂળભૂત સેવાઓમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. લોકોનું કહેવું છે કે ધારાસભ્યએ સરકાર પાસે આ રસ્તાઓની વહેલી મંજૂરી મેળવવા પ્રયત્ન કરવો જોઈએ.
કુકરદા ગામના રહેવાસીઓએ એસટી બસની માંગણી પણ કરી હતી, પરંતુ તેના નિરાકરણ કરતાં ધારાસભ્યએ માત્ર સ્ટેજ પરથી માંગણીનો ઉલ્લેખ કર્યો હોવાનો આક્ષેપ છે.
સ્થાનિકોમાં આક્ષેપ છે કે “108” સેવા અંગે ચર્ચા હોવા છતાં, ગર્ભવતી મહિલાઓને ઝોળીમાં લઈ જવાની ઘટનાઓ સામે આવી છે, છતાં પણ ધારાસભ્ય દ્વારા તેમની મુલાકાત લેવામાં આવી નથી.
આ ઘટનાને લઈને પ્રજામાં અસંતોષનો માહોલ છે અને લોકોની રજૂઆતોને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

