લીંબડી શહેરમાં બ્રહ્મલીન રાજર્ષિ મુનિની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરમાં ભક્તિભાવ અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2007માં રાજ રાજેશ્વરી ધામ, જાખણ ખાતે યોજાયેલા ત્રિદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સીધેશ્વર મહાદેવના ગર્ભગૃહમાં ભગવાન લકુલેશજી દ્વારા રાજર્ષિ મુનિને દિવ્ય દર્શન આપી ‘દંડ’ અને ‘બીજોરૂ’ જેવા નિગૂઢ પ્રતિકો પ્રદાન કરાયા હતા. આ પાવન પ્રતીકોના દિવ્ય દર્શન તથા ગુરુ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે લીંબડી શહેરમાં આ શોભાયાત્રા યોજાઈ હતી.
આગામી 11 ફેબ્રુઆરીએ બ્રહ્મલીન રાજર્ષિ મુનિની જન્મજયંતી નિમિત્તે ત્રિદેવ મંદિર સામે નિર્માણ કરાયેલા મંદિરમાં તેમની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવશે.
શોભાયાત્રામાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ક્ષત્રિય સમાજના સહદેવસિંહ રાણા, શંકરલાલ દલવાડી સહિત અનેક અગ્રણીઓ, શહેરના નાગરિકો તથા રાજર્ષિ મુનિના શિષ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.

