મહાશિવરાત્રીના પવિત્ર પર્વે દેશભરમાં શિવભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે પણ ભોલેનાથ પ્રત્યે અદ્વિતીય શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. નસવાડીના પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ “હર હર મહાદેવ”ના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
મંદિર ખાતે ભક્તોની લાંબી કતારો વચ્ચે ભગવાન ભોલેનાથની પાલખી યાત્રાનું વિધિવત પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. પુષ્પો અને આકર્ષક શણગારથી સજ્જ પાલખીમાં બિરાજમાન ભગવાન પશુપતિનાથની નગરચર્યાએ નીકળતા સમગ્ર નસવાડી શિવમય બની ગયું હતું. ઢોલ-નગારાના ગર્જતા તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા, જ્યારે મહિલાઓ ભજન-કીર્તનમાં લીન થઈ હતી અને અબાલવૃદ્ધ સૌ કોઈ ઉત્સાહપૂર્વક આ ધાર્મિક ઉજવણીમાં જોડાયા હતા. ગુલાલની છોળા વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિ અને ઉમંગથી રંગાઈ ગયું હતું.
નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થતો આ ભવ્ય વરઘોડો પ્રસિદ્ધ ચાર રસ્તા મંદિર સુધી પહોંચ્યો હતો, જ્યાં ઠેરઠેર ભક્તોએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહનો આવો ભવ્ય નજારો નસવાડીમાં ભાગ્યે જ જોવા મળે છે.
યાત્રાના સમાપન સમયે ચાર રસ્તા મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી શિરણું નમાવ્યું હતું. આ ભક્તિમય કાર્યક્રમનો સિલસિલો અહીં પૂરતો નથી, કારણ કે આવતીકાલે ભોલેનાથના ભક્તો માટે ભવ્ય ભંડારા (મહાપ્રસાદી)નું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

