સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી દેશભરમાં ઊજવણીના રંગમાં રંગાઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. યુનિટી માર્ચ વડોદರામાં પ્રવેશતા સમગ્ર શહેર દેશભક્તિ અને એકતાના જજ્બાથી ગુંજી ઉઠ્યું હતું.
આ ઉજવણી અંતર્ગત નવલખી મેદાન ખાતે યોજાયેલા કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. લોકપ્રિય ગાયક કીર્તિદાન ગઢવીના સંગીત અને સ્વરોથી મેદાનમાં લોકોનો જંગમ સમુદ્ર ઘુઘવ્યો હતો. ઇન્સેટ તસવીરમાં કીર્તિદાન ગઢવી મોખરે દ્રશ્યમાન થયા હતા.
લોકડાયરામાં વડોદરા શહેરના નાગરિકો ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, સ્થાનિક નગરસેવકો તથા મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય એકતા પદયાત્રા દરમિયાન લોકોમાં જે ઉત્સાહ જોવા મળ્યો હતો તે જ ઉત્સાહ લોકડાયરામાં પણ જોવા મળ્યો.
લોકડાયરો મોડી રાત્રે સુધી ચાલ્યો હતો અને લોકો લોકસંગીત, ગરબા અને કીર્તિદાન ગઢવીની અનોખી રજૂઆતનો આનંદ માણતા જોવા મળ્યા હતા. સરદાર સાહેબની જન્મજયંતિને સમર્પિત આ રંગારંગ કાર્યક્રમ વડોદરા શહેર માટે યાદગાર બની રહ્યો.

