યાત્રાધામ ચાંદોદ નજીકના ગામડી નજીકના ઓરસંગ નદીના કાંઠે રવિવારે માછીમારી માટે ગયેલા આધેડને મગર ખેંચી જવાની ઘટના બની હતી શોધખોળ ની લાંબી પ્રક્રિયા બાદ આજે મૃતદેહ મળી આવતા ચાંદોદ પોલીસે જરૂરી કાર્યવાહી સાથે મૃતદેહને પીએમ અર્થે ડભોઇ ખસેડ્યો હતો
મૂળ ગામ માથાસર તાલુકો ડેડીયાપાડા જિલ્લો નર્મદા અને હાલ શિનોર તાલુકાના સતીષાળા ગામે ખેડૂત ત્યાં ખેત મજૂરી અર્થે રહેતા આધેડ પારસિંગ ભાઈ ડોશીયાભાઈ વસાવા ઉંમર વર્ષ 50 અન્ય ત્રણ મિત્રો સાથે રવિવારે બપોરે ચાંદોદ નજીકના ગામડી ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીના કાંઠે માછીમારી કરવા ગયા હતા ત્યારે નદીમાં આંટાફેરા કરતો મહાકાય મગર એકાએક કાંઠે નદીમાં પગ લટકાવી માછીમારી કરી રહેલા પારસિંગ વસાવાની નજીક ધસી આવ્યો હતો અને તેને જડબામાં ફસાવી નદીમાં તાણી જઈ આધેડ નો શિકાર કર્યો હતો સાથે રહેલા અન્ય ત્રણ મિત્રોએ બચાવ માટે બૂમાબૂમ કરવા છતાંય આંખના પલકારામાં મગર આધેડને જડબામાં લઈ નદીમાં દૂર જતો રહ્યો હતો સદર ઘટનાની જાણ ચાંદોદ પોલીસ અને વન વિભાગને કરવામાં આવતા ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી સાથે વડોદરા ફાયર બ્રિગેડને મદદ અર્થે બોલાવી શોધખોળ આદરવામાં આવી હતી પરંતુ મોડી સાંજ સુધી મગરનો શિકાર બનેલા આધેડ નો કોઈ પતો નહીં લાગતા ટીમ રવાના થઈ હતી
ત્યારે નેચર હેલ્પ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અલ્કેશ માછી તેઓની ટીમ, ચાંદોદ પોલીસ તેમજ સ્થાનિકોએ આખી રાત મગરની હલચલ પર નજર રાખી તેના જડબામાંથી મૃતદેહ છોડવાના પ્રયત્નો આદર્યા હતા પરિણામે આજે સવારે તેમાં સફળતા મળી હતી મગરે મોમાંથી મૃતદેહ છોડી દેતા તેને નદી બહાર લાવતા મગરે પારસિંગ વસાવા ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જણાઈ આવ્યું હતું ફોરેસ્ટર જીતેન્દ્ર બારોટ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને વિગત જાણવી હતી
નોંધનીય છે કે ગામડી આસપાસના ઓરસંગ કાંઠા કિનારે માનવ જાત ને મગર નદીમાં ખેંચી જવાની આ પાંચમી ઘટના છે આવી ઘટના વારંવાર બનતી હોવા છતાં કાંઠા કિનારે માછીમારી તેમજ પશુ ચરાવવા જતા લોકો બેદરકારી દાખવતા મગર ના હુમલામાં જીવ ગુમાવતા રહ્યા છે.

