છોટાઉદેપુર જિલ્લો ના નસવાડી નગરમાં માનવતાને ઝંઝોડતી ઘટના સામે આવી છે. અન્યના પારિવારિક ઝગડામાં વચ્ચે પડીને એક મહિલાને બચાવવા ગયેલા પાંચ સ્થાનિક યુવાનો પર ટોળાએ પથ્થરમારો કરી જીવલેણ હુમલો કર્યો હતો.
માહિતી મુજબ, નસવાડીના મોટોડી ધામા હાઉસ પાછળ રહેતા પરપ્રાંતિય શ્રમિકોના પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન એક શ્રમિક પોતાની પત્નીને માર મારી રહ્યો હોવાની ઘટના સ્થાનિક યુવાનોએ જોઈ હતી. મહિલાની ચીસો સાંભળીને ત્યાંથી પસાર થઈ રહેલા પાંચથી વધુ યુવાનો તેને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા.
પરંતુ પત્નીને માર મારતા શ્રમિક અને તેના સાથીદારો સહિત અંદાજે 50 જેટલા લોકોના ટોળાએ અચાનક યુવાનો પર હુમલો કરી દીધો. ટોળાએ ભારે પથ્થરમારો કરતા પાંચેય યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા. તેમના માથા અને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા.
તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નસવાડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક યુવાનની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે રાજપીપળા ખાતે રીફર કરવામાં આવ્યો છે.
ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઇજાગ્રસ્ત યુવાનોએ નસવાડી પોલીસ મથકે હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી તેજ કરી છે.
આ બનાવને લઈ લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે શું માનવતા દર્શાવવી પણ હવે જોખમી બની રહી છે?

