સયાજી હોસ્પિટલ, વડોદરા ખાતે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવેલી ઓચિંતી તપાસ દરમિયાન અનેક ગંભીર ખામીઓ બહાર આવતાં તંત્રમાં હડકંપ મચી ગયો છે.
તપાસ દરમિયાન પડદા પાછળ મોટી સંખ્યામાં વ્હીલચેર અને સ્ટ્રેચર છુપાવી રાખવામાં આવ્યા હોવાનો ખુલાસો થતા ભ્રષ્ટાચાર અંગે શંકા વ્યક્ત કરવામાં આવી છે. દાઝેલા દર્દીઓના વોર્ડમાં વર્ષો જૂના અને બંધ હાલતમાં એસી જોવા મળતાં સુપ્રિન્ટેન્ડન્ટે તાત્કાલિક 23 એસી બદલવાના આદેશ આપ્યા છે.
સોનોગ્રાફી રૂમમાં ગંદકી અને બહાર બોક્સના ઢગલા જોવા મળતાં તંત્રને તાત્કાલિક સફાઈ કરવા કડક સૂચના આપવામાં આવી. તેમજ ઇમરજન્સી બિલ્ડિંગના ત્રીજા માળે અંધારપટ અને અવ્યવસ્થા સામે આવતા જવાબદાર અધિકારીઓને ખખડાવવામાં આવ્યા હતા.
આ દરમિયાન 20મીથી આવનારી નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલ્સ (NABH)ની ટીમના નિરીક્ષણ પહેલાં તંત્રમાં દોડધામ તેજ બની ગઈ છે.
દર્દીઓએ પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આવી કામગીરી માત્ર તપાસ પહેલાં જ કેમ થાય છે અને વર્ષભર નિયમિત દેખરેખ કેમ રાખવામાં આવતી નથી.

