કવાંટ નગરમાં ઠેરઠેર ગંદકીથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યાં છે. છ કરોડના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટર યોજના સદંતર નિષ્ફળ જતાં ગટરના ગંદા પાણી નગરના રોડ રસ્તા ઉપર વહી રહ્યા છે. ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઇ છે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું તાલુકા મથક એવા કવાંટ ગામમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય છે. ભૂગર્ભ ગટર માથી ગંદું પાણી ઉભરાઇને નગરના રોડ રસ્તા અને સોસાયટીમાં વહી રહ્યા છે. છેલ્લા બે મહિનાથી બીરસા મુંડા સર્કલ પાસેથી ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વર્તાઈ રહી છે. પાણીના કારણે રોડ રસ્તા તૂટીને બિસમાર હાલતમાં ફેરવાયા છે. ગંદા પાણીના કારણે વાહન ચાલકો પરેશાન, આસપાસના દુકાનદારો પરેશાન તમામ ગામલોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યાં છે. કવાંટ નગરમાં રૂપિયા છ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના બનાવાઈ, પરંતુ સરકારના આ છ કરોડ રૂપિયા ગટરના પાણીમાં વહી ગયા હોય તે રીતે યોજના નિષ્ફળ નિવળી છે. ગટરના પાણીનો નિકાસ નથી અને ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે. ગ્રામજનોએ અનેક રજુઆતો કરી પરંતુ કોઇ ઉકેલ આવતો નથી. ગ્રામ પંચાયત દ્વારા સમસ્યાના ઉકેલ માટે પ્રયાસો કરાઈ રહ્યા છે પરંતુ જરૂરી ઉપકરણો અને પૂરતા ફંડના અભાવે પંચાયત પણ મજબૂર હોય તેવું તલાટી જણાવી રહ્યા છે.

