વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં તંત્રની બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્ટ્રેચર અને યોગ્ય સુવિધાના અભાવે દર્દીને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાનો આક્ષેપ થયો છે.
માહિતી મુજબ, શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના પગમાં ફેક્ચર થતા તેઓ સારવાર માટે સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સ્ટ્રેચર કે ખુરશીની તાત્કાલિક સુવિધા ન મળતા દર્દીને જમીન પર ઘસરતા-ઘસડતા સારવાર વિભાગ સુધી જવું પડ્યું હોવાનું જણાવાયું છે.
આ ઘટનાને લઈને દર્દીએ હોસ્પિટલના તબીબો અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. દર્દી અને તેમના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ હોવા છતાં સમયસર વ્યવસ્થા ન થવાના કારણે દર્દીઓને મુશ્કેલી સહન કરવી પડે છે.
હાલ આ મામલો સામે આવતા હોસ્પિટલ તંત્રની કામગીરી અને સુવિધાઓ અંગે ફરી સવાલો ઊભા થયા છે. દર્દીઓને યોગ્ય અને સમયસર સુવિધા મળે તે માટે તંત્ર દ્વારા જરૂરી સુધારા કરવાની માંગ ઉઠી રહી છે.

