26 જાન્યુઆરીના રજાના દિવસે નંદેસરી ગામના લોકોને મતદાર યાદીમાં સુધારા–વધારા અંગેની કામગીરી માટે વડોદરાની જૂની કલેકટર ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા. જોકે, ગામજનો સવારના 8:30 વાગ્યાથી સ્થળ પર પહોંચી ગયા હોવા છતાં બપોરના 12 વાગ્યા સુધી કોઈ અધિકારીઓ હાજર ન રહેતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને લાંબી રાહ જોવડાવવામાં આવતા નંદેસરીના રહીશોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ દરમિયાન અચાનક મીડિયા સ્થળ પર પહોંચતા અધિકારીઓ હાજર થયા હોવાનું પણ ગામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
નંદેસરી ગામના લોકોએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી સમયે મત માગવા માટે અધિકારીઓ અને નેતાઓ તેમના ગામ સુધી આવે છે, પરંતુ જ્યારે મતદાર ઓળખપત્રમાં સુધારા–વધારા કરાવવાની વાત આવે ત્યારે તેમને શહેર સુધી દોડાવા પડે છે. આ મુદ્દાને લઈને ઉશ્કેરાયેલા લોકોએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી.
ગામજનોએ માંગ કરી હતી કે ભવિષ્યમાં આવી કામગીરી માટે નંદેસરી ગામમાં જ કેમ્પ યોજવામાં આવે જેથી લોકોને અનાવશ્યક હેરાનગતિ ન ભોગવવી પડે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

