વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલમાં પહેલા માળની લોબીનો ભાગ ધરાશાય થતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી જ્યારે કેટલીક સાયકલો દબાઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી.
વડોદરાની નારાયણ સ્કૂલમાં આજે બપોરના સમયે એકાએક ધો.7ના વર્ગમાં ચાલુ ક્લાસે દીવાલનો એક ભાગ તૂટ્યો હતો,જેની સાથે 3 બાળકો પણ પટકાયા હતા જોકે ધડાકા સાથે દીવાલ પડવાનો અવાજ આવતા જ શાળાના બાળકો બહાર દોડી આવ્યા હતા,બાળકોના ચહેરા પર ભય જોવા મળ્યો હતો.કેટલાક બાળકો તો ઘટના બાદ રડી પડ્યા પણ હતા.જોકે સદ્ભાગ્યે આ દુર્ઘટનામાં કોઈને મોટી ઇજા થઈ ન હતી,ફાયરબર્ગીડે પણ ઘટનાની ગંભીરતા સાથે કામગીરી કરી હતી,બીજી તરફ વાલીઓમાં ફફડાટ છે ત્યારે શાળાનું સ્ટ્રક્ચર સામે હવે સવાલો ઉઠ્યા છે.
વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલોમાં આગના બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવે છે. પરંતુ સ્કૂલોના સ્ટ્રક્ચર બાબતે કોર્પોરેશન દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી નથી. જેને પરિણામે આજે વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર ગુરુકુળ નજીક આવેલી નારાયણ સ્કૂલમાં એકાએક બાજુના ભાગની લોબી તેમજ દીવાલનો ભાગ તૂટી પડતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી. જ્યારે ત્રણથી ચાર સાયકલ દબાઈ હતી. જો આ વખતે સાયકલ લેવા માટે વિદ્યાર્થીઓ આવ્યા હોત તો ગંભીર જાનહાનિ થવાનો ભય હતો.બનાવને પગલે ફાયર બ્રિગેડ તેમજ પોલીસ દોડી આવ્યા હતા અને કામગીરી કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ બનાવની ગંભીર નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

