બીએસએનએલ એસસી–એસટી એમ્પ્લોય વેલ્ફેર એસોસિએશનમાં અશોક પટેલ રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી નિમાયા, વડોદરામાં સન્માન સમારોહ
ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL)ની એસસી–એસટી એમ્પ્લોય વેલ્ફેર એસોસિએશનમાં સમગ્ર દેશમાંથી પ્રથમ વખત ગુજરાતના વડોદરા શહેરમાંથી અશોક પટેલની રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક થતાં કર્મચારીઓમાં ખુશીની લહેર ફેલાઈ હતી.
આ મહત્વપૂર્ણ નિમણૂકને પગલે યુનિયન દ્વારા વડોદરામાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં BSNLના હાલના તથા નિવૃત્ત કર્મચારીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત થયેલા અશોક પટેલે જણાવ્યું હતું કે, BSNLમાં અનેક યુનિયન અને એસોસિએશનો કાર્યરત છે, જેમાંથી એસસી–એસટી વેલ્ફેર એસોસિએશનમાં તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે સેવા સંઘની અંદર ગુજરાતમાંથી તેઓ પ્રથમ વ્યક્તિ બન્યા છે જેમને આ રાષ્ટ્રીય પદ મળ્યું છે, જેને તેમણે ઐતિહાસિક ક્ષણ ગણાવી અને ગુજરાત તથા વડોદરા માટે ગૌરવનો સમય હોવાનું જણાવ્યું હતું.
અશોક પટેલે આગળ જણાવ્યું કે આવનારા સમયમાં કર્મચારીઓના સંવિધાનિક હકો માટે અવાજ ઉઠાવવો તેમનો મુખ્ય ઉદ્દેશ રહેશે. પગાર સંબંધિત મુદ્દાઓ અંગે તેમણે કહ્યું કે સેન્ટ્રલ અને સ્ટેટ સરકારને સાતમું પગાર પંચ મળ્યું છે તથા આઠમાની તૈયારી ચાલી રહી છે, જ્યારે BSNL કર્મચારીઓને હજુ સુધી થર્ડ પીઆરસી મુજબ સાતમું પગાર પંચ મળ્યું નથી, જેને લઈને તેઓ સંઘર્ષ ચાલુ રાખશે.
તેમણે ટ્રાન્સફર સહિતના વિવિધ મુદ્દાઓમાં કર્મચારીઓ સાથે થયેલા અન્યાય સામે ન્યાય અપાવવા માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

