વડોદરા શહેરના વોર્ડ નં. 8 માં સ્વેજલ ભરતભાઈ વ્યાસ દ્વારા આયોજિત “માતૃશક્તિ આશીર્વાદ યાત્રા”નો 8મો તબક્કો આજે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ તબક્કા અંતર્ગત વોર્ડ નં. 8 ની કુલ 1,232 માતાઓને 22 બસ દ્વારા નિઃશુલ્ક તીર્થયાત્રા માટે પવિત્ર ધામોમાં દર્શન કરાવવામાં આવ્યા હતા.
યાત્રા દરમિયાન માતાઓને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, કોટગણેશ મંદિર, બુટ ભવાની મંદિર તેમજ ધર્મજ સ્વામિનારાયણ મંદિર જેવા પ્રસિદ્ધ તીર્થસ્થાનોમાં દર્શનનો લાભ અપાયો હતો. માતાઓના ચહેરા પર જોવા મળેલી ખુશી અને તેમની ભાવભીની પ્રાર્થનાઓએ સમગ્ર આયોજનને આધ્યાત્મિક વાતાવરણથી ભાવવિભોર બનાવી દીધું હતું.
આ સમગ્ર અભિયાન અંતર્ગત વોર્ડ નં. 8 ની કુલ 15,000 માતાઓને તબક્કાવાર યાત્રાનો લાભ આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. અત્યાર સુધી 8 તબક્કાઓ પૂર્ણ કરી અંદાજે 6,300 માતાઓને યાત્રાનો લાભ આપવામાં આવ્યો છે, જ્યારે આવનાર સમયમાં આશરે 8,000 માતાઓને પણ આ પવિત્ર યાત્રામાં જોડવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે સ્વેજલ ભરતભાઈ વ્યાસે જણાવ્યું હતું કે,
“માતૃશક્તિના આશીર્વાદથી જ સમાજ અને સંસ્કાર મજબૂત બને છે. આ યાત્રા માત્ર પ્રવાસ નથી, પરંતુ સંસ્કાર, શ્રદ્ધા અને એકતા મજબૂત બનાવવાનો પવિત્ર પ્રયાસ છે.”
વોર્ડ નં. 8 ની માતાઓ તરફથી મળતા ઉત્સાહ અને આશીર્વાદ આ અભિયાનને સતત પ્રેરણા આપી રહ્યા છે. આવનાર સમયમાં પણ વધુ માતાઓને આ યાત્રાનો લાભ અપાવવાનો સંકલ્પ યથાવત રાખવામાં આવ્યો છે.

