બોડેલી શહેરના બજાર વિસ્તારમાં બોડેલી નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત આશરે 70 વર્ષ જૂના કેબીન દૂર કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, નગરપાલિકાએ રસ્તા પર અવરોધરૂપ બનેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા પગલાં લીધાં છે. જોકે, આ કાર્યવાહી બાદ શહેરમાં ન્યાય અને સમાનતા અંગે ચર્ચા શરૂ થઈ છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે બોડેલીમાં જ્યારે પણ દબાણ હટાવવાની કાર્યવાહી થાય છે ત્યારે મોટાભાગે ગરીબ અને રોજીરોટી પર નિર્ભર લોકો જ નિશાન બને છે. વર્ષોથી નાના ધંધા કરીને ગુજરાન ચલાવતા કેબીન ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું તેઓ જણાવે છે.
થોડા સમય અગાઉ બોડેલીના અલીપુરા, ઢોકળીયા અને ચાંચક વિસ્તારોમાં પંચાયત તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં પણ મુખ્યત્વે ગરીબ વર્ગના દબાણો પર જ કાર્યવાહી થઈ હોવાનું સ્થાનિકો કહે છે.
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે બોડેલી નગરપાલિકા વિસ્તારમાં આવેલા અલીપુરા, અલીખેરવા, ચાંચક, ઢોકળીયા અને જૂની બોડેલી વિસ્તારોમાં સરકારી પડતર જમીન, કોમન પ્લોટ અને રોડ-રસ્તા ઉપર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણો આજે પણ યથાવત છે, છતાં આવા દબાણો દૂર કરવા બાબતે નગરપાલિકા દ્વારા ઢીલાશ દાખવવામાં આવી રહી છે.
હાલમાં મણિનગર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને લઈને ત્રીજી નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ત્યાં દબાણો સામે ક્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી આવકાર્ય છે, પરંતુ તેમાં સમાનતા અને ન્યાય જરૂરી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. નાના અને મોટા તમામ દબાણો સામે સમાન માપદંડ અપનાવી કાયદાનું શાસન સમાન રીતે અમલમાં મૂકવાની માંગ ઉઠી રહી છે.

