ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણયને રદ કરી આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવામાં આવે તેવી માંગ સાથે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નિવાસી અધિક કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઇ રાઠવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો તાલુકા કોંગ્રેસના પ્રમુખો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જિલ્લા કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું. કે આદિવાસી સમાજના બાળકો મેટ્રિક પછી વધારેમાં વધારે સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ૧ જુલાઈ, ૨૦૧૦થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બનાવવામાં આવી હતી. અને આ યોજના મુજબ કેન્દ્ર સરકાર ૭૫% અને ૨૫% રાજ્ય સરકારે ભોગવવાના અને યોજનામાંથી આદિવાસી સમાજના એટલે કે અનુસૂચિત જનજાતિ(ST)ના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછી અભ્યાસમાં શિષ્યવૃત્તિની યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનાની એક મોટી બાબત એ હતી કે મેનેજમેન્ટ કોટામાં પણ આદિવાસી સમાજનો બાળક પ્રવેશ મેળવે તો તે શિષ્યવૃત્તિને હકદાર બને. આ યોજનાના કારણે ગુજરાત અને દેશના લાખો બાળકોને મેટ્રિક પછીના અભ્યાસમાં ખૂબ મોટી સહાય શિષ્યવૃત્તિ દ્વારા પ્રાપ્ત થઈ રહી હતી. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં અને ગુજરાતમાં રહેલી સરકારે આદિવાસી સમાજના બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરીને આદિવાસી બાળકોને ખૂબ મોટો અન્યાય કરેલો છે. ગુજરાત સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડીને હવે પછી કોઈપણ આદિવાસી બાળક (અનુસૂચિત જનજાતિનો વિદ્યાર્થી) મેટ્રિક પછી મેનેજમેન્ટ કોટામાં ઉપર પ્રવેશ મેળવે તો તેને શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા નિવાસી અધિક કલેકટરને આવેદન પત્ર આપી પત્ર રદ કરવાની માંગ કરી હતી.
મોહસીન સુરતી છોટાઉદેપુર

