નસવાડી કુકાવટ રોડ ઉપર મહેમાન કોલોની પાસે આવેલી અંદાજે 10 ફૂટ ખુલ્લી જગ્યાને ખુલ્લી કરવા બાબતે ઊભેલા વિવાદે આજે ગરમાવો પકડી લીધો છે. આ મુદ્દે નસવાડી ગ્રામ પંચાયતમાં કરાયેલી અરજીના અનુસંધાને આજે મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આજરોજ નસવાડી ગ્રામ પંચાયતના તલાટી, પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં સ્થળ પર જઈ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે વિવાદિત જગ્યાને લગતો કોઈપણ અધિકૃત નકશો કે આધારભૂત દસ્તાવેજ ઉપલબ્ધ નથી.
નકશો કે દસ્તાવેજોની ગેરહાજરી સામે આવતા જ ગ્રામજનોમાં ચર્ચા અને વાદવિવાદ શરૂ થયો હતો અને સમગ્ર મામલો તીવ્ર બન્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ બાબતે સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવશે. જો તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ અથવા કાયદા વિરુદ્ધ કામગીરી બહાર આવશે તો સંબંધિત પક્ષો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
હાલ સમગ્ર ગામની નજર ગ્રામ પંચાયતના આગામી નિર્ણય પર ટકી છે. સ્થાનિકોનું માનવું છે કે આ મુદ્દો રાજકીય અને સામાજિક સ્વરૂપ પણ લઈ શકે છે, જેને પગલે નસવાડીમાં ખુલ્લી જગ્યા બાબતે આગામી દિવસોમાં વધુ ગરમાવો વધવાની શક્યતા છે.

