બરોડા ડેરીના અંદાજિત 1400 કરોડ રૂપિયાના વહીવટ માટે ચૂંટણી જંગ જામ્યો છે. આવનારી 18 માર્ચે યોજાનારી આ ચૂંટણીમાં 13 ઝોનમાંથી આશરે 1070 જેટલા મતદારો મતદાન કરશે. વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લાના મતદારો આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે.
વર્તમાન બોર્ડના ચેરમેન દિનેશ પટેલ (દિનુ મામા) અને ઉપપ્રમુખ જી.બી. સોલંકી સહિત કુલ 13 સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. નોંધનીય છે કે જી.બી. સોલંકીએ સતત છઠ્ઠી વખત ઉમેદવારી નોંધાવી છે, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ભાજપ પ્રેરિત પેનલ માટે આજે પ્રદેશ નિરીક્ષકો પહોંચવાના છે, જેના કારણે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. પેનલમાં સ્થાન ન મળે તો આંતરિક અસંતોષ અને બળવાના એંધાણ પણ વ્યક્ત થઈ રહ્યા છે. પક્ષના મેન્ડેટ આધારે જ ઉમેદવારી નક્કી થવાની શક્યતા છે, જ્યારે કેટલાક અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતરશે તેવી ચર્ચા છે.

