છોટાઉદેપુર જિલ્લામાં વરસો બાદ પ્રથમ વખત આદિવાસી સમાજ માટેનો લગ્ન ઉત્સવ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચુલી ખાતે સ્વામિનારાયણ મંદિર પાસે યોજવામાં આવ્યો હતો. જેમાં છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાના 11 યુગલોએ ભાગ લઈ પ્રભુતામાં પગલા પાડયાં હતા.
આ સમૂહ લગ્ન કરવા પાછળનો ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ હાલમાં લગ્નોત્સવો માં ચાલી રહેલી દેખાદેખી હરિફાઈ યુગને ડામવા માટે અને વર્ષોથી ચાલતી આવતી ડીજે દારૂ અને દહેજની પ્રથાથી સમાજને બચાવવા માટે અને લગ્નોમાં થતા ખર્ચાઓ ઉપર અંકુશ મેળવવા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજના લગ્ન ઉત્સવમાં મેટા ટેક એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ વડોદરા દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ, 20 માઇક્રોન્સ ફાઉન્ડેશન વડોદરા દ્વારા મફત ડાયાબિટીસ અને બ્લડપ્રેશર ચેકઅપ કેમ્પ, ઇકો ટ્રાયબલ ટ્રસ્ટ અને ઓરસંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ઈન્દુ બ્લડ બેન્ક બોડેલીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અને છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાના શિક્ષણ કાર્ય માટે સર્વ સમાજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે માં પ્રકૃતિ જન કલ્યાણ લાઇબ્રેરીનું શુભારંભ રાજ્યના મંત્રી આદીજાતી વિકાસ પ્રાથમિક અને પ્રોઢ શિક્ષણ ડોક્ટર કુબેરભાઈ ડીંડોરના હસ્તે કરવામાં આવ્યો હતો. આદિવાસી સમાજ માટે કરેલા સરાહનીય કાર્યથી પ્રભાવિત થઈ ઉપસ્થિત મહાનુભોએ ટ્રસ્ટના હોદ્દેદારોને અભિનંદન પાઠવી પોત પોતાની રીતે યથા યોગ્ય રોકડ સહાય આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રભુતામાં પગલા પાડતા 11 નવ દંપતિઓને આશીર્વાદ આપવા માટે રાજ્યના આદિજાતી વિકાસ મંત્રી કુબેરભાઈ ડીંડોર, લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, પૂર્વ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામભાઇ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા તેમજ આદિવાસી સમાજના સામાજિક રાજકીય અગ્રણીઓ ઇકો યુનિટી ટ્રસ્ટના હોદ્દેદારો કાર્યકરો આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહી લગ્ન ઉત્સવ ને સફળ બનાવ્યો હતો.
ઈકો યુનિટી ટ્રસ્ટના નિરંજનભાઇ રાઠવા એ લગ્નોત્સવ ને સફળ બનાવવામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહકાર આપનાર તમામ નામી અનામી સંસ્થાઓ તેમજ વ્યક્તિગત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

