છોટાઉદેપુરના ‘હાફેશ્વર’ ગામને કેન્દ્રના પર્યટન મંત્રાલય દ્વારા હેરીટેજ કેટેગરીમાં ‘શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા-૨૦૨૪’નો એવોર્ડ અપાયો છે. નર્મદા કિનારે આવેલા ‘હાફેશ્વર’ને રૂ. ૧૦ કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી પ્રગતિમાં છે.

‘મા નર્મદા’નો ગુજરાતમાં જ્યાંથી પ્રવેશ થાય છે. એવા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના ‘હાફેશ્વર’ ગામને આજે ‘વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે’ કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરીટેજ કેટેગરીમાં “શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા ૨૦૨૪”નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં પ્રવાસન સ્થળોનો બહુમુખી વિકાસ કરીને એક નવી કેડી કંડારી છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના નાનકડા હાફેશ્વર ગામે આજે પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિકસ્તરે વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આ વિકાસને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ‘વિશ્વ પ્રવાસન દિવસ’ની ઉજવણીના ભાગરૂપે આજે ગુજરાતના પ્રવાસનની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે. તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ છે તેમ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, આજે પુનઃએકવાર ‘કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં’ ના મંત્રને છોટાઉદેપુર જિલ્લાના નાનકડા હાફેશ્વર ગામે સાકાર કર્યો છે. તાજેતરમાં જ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂા. ૧૦ કરોડના બજેટ સાથે હાફેશ્વરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રવાસીઓની સુવિધાના હેતુસર પાર્કિંગ, વૉટર જેટી, ઘાટ, કેફેટેરિયા, ગાર્ડન અને વોલ્ક વે નું નિર્માણ કરવામાં આવનાર છે. તેમણે કહ્યું હતું કે,હાફેશ્વર એ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલું એક એવું સ્થળ છે જ્યાંથી માઁ નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે છે.સતપૂડા અને વિંધ્યાચલ પર્વતમાળાની વચ્ચેથી પસાર થતી મા નર્મદા નદી જે જગ્યાએથી ગુજરાતમાં પ્રવેશે છે. તે કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું હાફેશ્વર ગામ છોટાઉદેપુરના મુખ્ય શહેરથી આશરે ૪૦ કિમી દૂર ક્વાંટ તાલુકામાં આવેલું છે. અહીં એક પ્રાચીન શિવ મંદિર છે અને સરદાર સરોવર જળસ્ત્રાવ વિસ્તારમાં નર્મદા નદીના પાણીમાં મહદઅંશે ડૂબેલી સ્થિતિમાં છે. હાલમાં હોડીની સવારી કરીને માત્ર મંદિરનો ધ્વજ જ જોઈ શકાય છે. જેથી વર્ષ ૨૦૦૨માં આ મંદિરની મૂર્તિઓને ભવ્ય એવા નવા મંદિરમાં સ્થાનાંતરિત કરવામાં આવી હતી જે ડૂબી ગયેલ મંદિરથી ૧.૫ કિમી દૂર બનાવવામાં આવ્યું છે.

