વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી SSG હોસ્પિટલ ખાતે આજે ટીબી (ક્ષય) ના દર્દીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલના પલ્મોનરી મેડિસિન વિભાગમાં ટીબીના રોગનું ઝડપી અને સચોટ નિદાન કરવા માટે અત્યાધુનિક ‘ટ્રુનાટ મશીન’ (TrueNat Machine) નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મશીન વડોદરાની જાણીતી સામાજિક સંસ્થા ‘ગોરવા લાયન્સ ક્લબ’ અને ‘ગવર્મેન્ટ સર્વન્ટ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી’ ના સંયુક્ત સહયોગથી ફાળવવામાં આવ્યું છે. ગવર્મેન્ટ સર્વન્ટ સોસાયટી દ્વારા આ પ્રોજેક્ટ માટે ₹10 લાખ નું માર્ચિંગ ફંડ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે લાયન્સ ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ, લાયન હર્ષદભાઈ શાહ, અને લાયન અશ્વિનભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મશીનના લોકાર્પણ બાદ અધિકારીઓએ જણાવ્યું હતું કે, વડોદરામાં આવી કુલ 5 જગ્યાઓએ આ પ્રકારના મશીન કાર્યરત કરવામાં આવ્યા છે, જેનાથી સામાન્ય નાગરિકોને ઘર આંગણે જ તપાસની સુવિધા મળશે. આ સુવિધા શરૂ થવાથી હવે દર્દીઓએ લાંબો સમય રાહ જોવી નહીં પડે અને વહેલા નિદાનને કારણે સારવાર પણ તુરંત શરૂ કરી શકાશે.

