ડભોઈના પ્રખ્યાત તીર્થક્ષેત્ર કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી મંદિરમાં ટ્રસ્ટી મંડળના આંતરિક વિખવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વિવાદના કારણે મંદિરના કપાટ બંધ થઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે હજારો ભક્તોના દર્શન પર અસર પડી શકે તેવી શક્યતા હતી. આજે શનિવારી અમાસનો દિવસ હોવાથી ભક્તોની ભારે ભીડ દર્શન માટે ઉમટી પડે છે, પરંતુ ટ્રસ્ટીઓ વચ્ચેના ઝઘડાએ પરિસ્થિતિ વણસી હતી. કુબેર ભંડારી મંદિર ટ્રસ્ટમાં થયેલી બબાલ અંતર્ગત તણાવગ્રસ્ત પરિસ્થિતિ વચ્ચે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા મધ્યસ્થી માટે મોડી રાત્રે મંદિર પહોંચ્યા. તેમણે રાત્રે 12 વાગ્યે મંદિરના કપાટ ખોલીને અમાસના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂક્યા હતા.
ઉલ્લેખનિય છે કે વિવાદનું મુખ્ય કારણ નાણાકીય વ્યવહારો અને વહીવટી મુદ્દાઓ છે. ચેરિટી કમિશનના વચગાળાના હુકમ છતાં મંદિરના જૂના પૂજારીઓને છૂટા કરવામાં આવ્યા છે. જેના વિરોધમાં જૂના પૂજારીઓએ મંદિરમાં પ્રવેશ બંધીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ ઉપરાંત નવા ટ્રસ્ટી મંડળની રચના બાદ પાંચ ટ્રસ્ટીઓ બે ભાગમાં વહેંચાઈ ગયા છે સંસ્થાના પરિસરમાં સંમતિ વગર કોઈપણ જાતની જાહેરાત કે નોટિસ લગાડવી નહીં, સંસ્થાના પ્રતિનિધિ તરીકે સમાચાર પ્રસિદ્ધ કરવા નહીં અથવા ઇન્ટરવ્યૂ આપવા નહીં. સંસ્થાના રૂમ કોઈને પણ વાપરવા આપવા નહીં. સંસ્થાની ઓફિસમાં સંસ્થાના સભ્યો સિવાય બહારની કોઈ વ્યક્તિ બેસવી જોઈએ નહીં, નવા પૂજારીઓને સંસ્થામાં પૂજારી તરીકે પૂજા અર્ચના કરવાની પરવાનગી આપવી નહીં સહિતના મુદ્દે રજૂઆત થઈ છે.

